વડોદરા: જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરેના માર્ગદર્શન હેઠળ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી, ખેડબ્રહ્મા સહિત અન્ય ધાર્મિક સ્થળોની દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે માસથી દર રવિવારે નિયમિત રીતે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના રવિવારે ઝાંસી કી રાણી ચોક ખાતે આવેલ કાર્યાલયથી કુલ 6 બસોમાં “બોલ મારી જય અંબે”ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે રવાના થયા હતા.
આ યાત્રામાં શહેરના ભાજપ કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નં. 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ વસંત સ્વામી, કપિલાબેન પરમાર સહિત જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પવિત્ર દર્શન યાત્રામાં જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળ, સૌરભ પાર્ક, કૃષ્ણા ટાઉનશીપ, અનંત પાર્ક સહિતના વિસ્તારોના વરિષ્ઠ નાગરિકો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, ભોજન સહિતની તમામ સુવિધાઓ જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે રાજેશ આયરે જણાવ્યું હતું કે, વિસ્તારની જનતા હંમેશા દુઃખ–સુખમાં અમારી સાથે રહી છે, તેથી જનતા માટે આ પ્રકારના ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ દર્શન યાત્રાના સુંદર આયોજન બદલ આયરે પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

