આજે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં ખ્રિસ્તી ધર્મના આસ્થાના મહાપર્વ ‘નાતાલ’ (ક્રિસમસ)ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ નાતાલ પર્વ નિમિત્તે ખ્રિસ્તી સમુદાયમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને ભવ્ય રોઝરી કેથેડ્રલ ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી. ગત મધરાત્રિથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી તેમજ પરંપરાગત કેરોલ્સ અને ભજનોના ગાન સાથે નાતાલ પર્વને વધાવવામાં આવ્યું હતું.
આજે 25મીની વહેલી સવારે પણ રોઝરી ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. પ્રાર્થના બાદ સૌએ એકબીજાને ભેટીને ‘મેરી ક્રિસમસ’ કહી શુભેચ્છાઓ પાઠવી હતી.
નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે કેક કાપીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ચર્ચ પરિસરમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ છવાયું હતું.

