વડોદરા: માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલી મકરપુરા GIDC કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડ પર ઇંટો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ હતી.
પીડિત વાહન માલિકે માંજલપુર પોલીસ મથકે અરજી આપ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને સીસીટીવીના આધારે મુખ્ય આરોપી **વિશાલ નથુભાઈ પાટીલ (ઉંમર 25, રહે ડાહીબાનગર GIDC કોલોની)**ને ઝડપી પાડ્યો. પોલીસે તેને કાન પકડાવી ઉઠક–બેઠક કરાવીને શારીરિક દંડ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દરમિયાન તેની પાસેથી એક એક્ટિવા ટુ-વ્હીલર પણ કબજે કરવામાં આવ્યું છે.
આ જ ઘટનામાં સામેલ બીજા વ્યક્તિ વિપુલ યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઘટનાના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભય અને ગુસ્સાનો માહોલ સર્જાયો હતો. અસામાજિક તત્વો રાત્રિના સમયે કોલોની વિસ્તારમાં આવી આવી તોડફોડ કરતા હોવાનું રહીશોનું કહેવું છે. પીડિત પરિવારે રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવાની પણ ભીતિ વ્યક્ત કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
માંજલપુર પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તોડફોડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પગલાં લેવા તજવીજ કરવામાં આવી રહી છે.

