છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ શેરી નાટક કાર્યક્રમ યોજાયો. નસવાડી ચાર રસ્તા વિસ્તારમાં પ્રસિદ્ધ બંસરી કલાવૃંદ દ્વારા ભવ્ય અને સંદેશાત્મક શેરી નાટક રજૂ કરવામાં આવ્યું.
આ નાટક દ્વારા આદિજાતિ વિકાસ વિભાગની મુખ્ય યોજનાઓ— શિક્ષણ સહાય, રોજગારલક્ષી તાલીમ, સ્વરોજગાર યોજનાઓ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને આવાસ સંબંધિત યોજનાઓ વિષે સરળ, લોકભાષામાં માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. કલાકારોએ જીવંત અભિનય, સંવાદ અને લોકસંગીતના માધ્યમથી યોજનાઓની ઉપયોગીતા અને સરકારની જનકલ્યાણ પ્રતિબદ્ધતા જનતા સુધી અસરકારક રીતે પહોંચાડી.
નાટક બાદ લોકોમાં યોજનાઓની વધુ વિગતો જાણવા ઉત્સુકતા જોવા મળી, જે આયોજનની સફળતા દર્શાવે છે. સ્થાનિક નાગરિકોએ આ પહેલને વખાણી અને ભવિષ્યમાં આવા વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજવાની માંગ પણ વ્યક્ત કરી.
આ શેરી નાટક દ્વારા સરકાર અને જનતા વચ્ચે સંવાદનું સેતુ સર્જાઈ રહ્યું છે, જે સમાજમાં સકારાત્મક અને રચનાત્મક સંદેશ ફેલાવવા સહાયરૂપ બન્યું છે.

