વડોદરા શહેરની જાણીતી સર સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલ ખાતે આજે બે અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી અહીં સારવાર લેવા આવનાર ગરીબ અને વંચિત વર્ગના દર્દીઓને મોટો લાભ મળશે.
આ પ્રસંગે હોસ્પિટલના તબીબોએ માધ્યમો સાથે વાતચીત કરતા નવી સુવિધાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ખાસ એક આધુનિક મશીન વસાવવામાં આવ્યું છે, જે સર્જરી દરમિયાન લાઈવ એક્સ-રે બતાવવામાં મદદરૂપ બનશે અને ઓપરેશનને વધુ સચોટ બનાવશે.
તે ઉપરાંત પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉપયોગ ICUમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે.
તબીબોના જણાવ્યા મુજબ આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. આ માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ નવી સુવિધાઓથી ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી ન શકતા દર્દીઓને હવે સરકારી હોસ્પિટલમાં જ આધુનિક સારવાર મળી રહેશે. તબીબોએ આ સફળતા પાછળ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન અય્યર અને સમગ્ર મેડિકલ ટીમની મહેનતને બિરદાવી હતી.

