ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, મુસાફરો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
પાવીજેતપુરના પાણીબારથી બોડેલી રૂટની નવી આધુનિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે લીલી ઝંડી આપી આ નવી બસને મુસાફરો માટે અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા એસ. ટીને નવીનીકરણ તરફ આગળ ધપાવવા વિવિધ ડેપોમાં નવીન બસો ફાળવવામાં આવી રહી છે. ત્યારે બસ સેવાનો પ્રારંભ માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ બસ પાણીબારથી બોડેલી પહોંચશે.
લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, બોડેલી ડેપો એટીએસ યાસીનભાઈ, પાવીજેતપુર તાલુકા સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી, કાર્યકર્તાઓ તેમજ એસ.ટી.ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ નવી બસમાં બેસીને મુસાફરી કરી હતી. અને બસની આધુનિક સુવિધાઓ અને તકનીકી ઉપલબ્ધિઓથી પરિચિત થયા હતા.
આ નવી બસ મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પરિવહન મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં એસ.ટી. સેવાઓને આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે તેમ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

