શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની સાથે કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે દરબાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે 10 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સાત જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેઓને સન્માનિત કરાયા હતા. શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

