છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું માતોરા એક એવું ગામ કે જ્યાં સરકારે ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ આજે તે વ્યર્થ જોવાઈ રહ્યો છે. ગામના બોર છે તે પાણી પીવા લાયક ન હોવા છતાં લોકો મજબૂરીમાં પીવાના પાણી માટે ઉપયોગ કરી રહ્યા છે.
નસવાડી તાલુકાના માંતોરા ગામે પોચંબા પાણી પુરવઠા યોજના દ્વારા લાખોના ખર્ચે પીવાનું શુદ્ધ પાણી ગામના લોકોને મળી રહે તે માટે સંપ અને પાઇપ લાઇનો નાખી પરંતુ શોભાના ગઠિયા સમાન આજે જોવાઈ રહી છે. કારણ કે છેલ્લા દશ વર્ષથી અહીં જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે. તેમાં ટીપુ પાણી પણ નથી આવ્યુ. નલ સે જલ યોજનાના નળ પણ ઘરે ઘરે લગાડવામાં આવ્યા તે પણ અર્થ વિનાના સરકારે તો ગામના લોકોની ચિંતા કરી લાખોનો ખર્ચ પણ કર્યો પણ સરકારના પૈસા અધિકારીઓની બેદરકારીને લઈ પાણીમાં વહી ગયા હોય તેમ લાગી રહ્યું છે.
નસવાડી તાલુકાના માંતોરા ગામના ચાર જેટલા ફળિયા આવેલા છે. 500 થી વધુ લોકોની વસ્તી છે. સરકારે નર્મદાનું ફીલ્ટર વાળું પાણી મળે તે માટે પોચંબા પાણી પુરવઠા યોજનામાં માતોરા ગામનો સમાવેશ પણ કર્યો હતો. અને પાણીપુરવઠા વિભાગ એ સંપ મોટર વીજલાઇટ પાણીની લાઇન કરી પરંતુ અધિકારીઓની અણધડતા ને લઈ સંપ સુધી પાણીના પહોચતા આજે ગામ ના લોકો સુત્રોચાર કરી પાણીની માંગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના વોટરવર્ક્સ ના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે. છતાં લોકો તે પાણી પીવા માટે મજબૂર છે. ઉનાળાના સમયના બોર પણ સુકાઈ જાય છે. અને દૂર દૂર સુધી પીવાનું પાણી મેળવવા ભટકવું પડે છે.
પોચંબા પાણી પુરવઠા યોજના દ્વારા સરકાર દર વર્ષે 119 ગામોને પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાકટર ને બે કરોડ રૂપિયાનું ચૂકવણું કરે પણ કરે છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ બિલો બનાવી ને યોજના ચાલુ બતાવી ખર્ચ કરી નાખે છે. નલ સે જલ યોજના માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાની પાઇપલાઇનો અને નળ બેસાડી કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે. વર્ષો થી પીવા નું પાણી માટે લોકો પીડા ભોગવી રહ્યા છે. પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર નથી.

