વડોદરા શહેરના જલારામ નગર-1માં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે.એક મહિનો વીતી ગયો છતાં સમસ્યા યથાવત્ રહેતા લોકોએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદરાના જલારામ નગર-1 વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બૂંદ પણ આવ્યું નથી. પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણીવાર ખખડાવ્યા છે. કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ હલ મળ્યું નથી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો મટલા ફોડી, થાળી ખખડાવી અને રસ્તા પર ઉતરીને પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણીઓ સમયે મત લેવા રાજકીય આગેવાનો વચન આપીને જાય છે, પણ પછી પછાત વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી. શહેરનું બજેટ હજારો કરોડનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગત રોજ શહેરના બે અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જલારામ નગરના લોકોને હવેથી એક જ આશા છે કે તંત્ર જાગે અને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આ તકલીફ વિરોધમાં ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ શકે છે.

