વડોદરાના સેવાસી વિસ્તારમાં નિવાસ કરતા અને ચક્ર હિલિંગ ક્ષેત્રમાં વિશ્વની સૌપ્રથમ ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરનાર ડૉ. જીતેન્દ્રભાઈ પટવારી વડોદરા શહેર માટે ગૌરવરૂપ બન્યા છે. તેમની આ અનોખી અને ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા SBI પેન્શનર્સની એન્યુઅલ જનરલ મીટિંગ તેમજ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની વિશેષ બેઠક દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ અને સભ્યો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ ડૉ. પટવારીના કાર્યને સમાજ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી ગણાવી તેમની પ્રશંસા કરી હતી. ચક્ર હિલિંગ જેવા વૈકલ્પિક ઉપચાર ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવી વડોદરા શહેર માટે ગર્વની બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડૉ. જીતેન્દ્રભાઈ પટવારીએ ચક્ર હિલિંગ વિષય પર ગરવી ગુજરાત ન્યૂઝ પેપર માટે વિદ્વાન લેખક તરીકે પણ અમૂલ્ય સેવાઓ આપી છે. તેમના લેખો દ્વારા અનેક વાચકોને આરોગ્ય, આધ્યાત્મિકતા અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન મળ્યું છે.
આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ગરવી ગુજરાત ન્યૂઝ પેપરની સમગ્ર ટીમ તરફથી ડૉ. જીતેન્દ્રભાઈ પટવારીને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

