ડભોઈ નગરમાં મા ખોડિયાર જયંતીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર રાણા સમાજ દ્વારા મા ખોડિયારના જન્મ મહોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.
ડભોઈ હીરાભાગોળ વિસ્તારમાં આવેલ મા ખોડિયારના મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મા ખોડિયારના જન્મ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વહેલી સવારે માતાજીની પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનો વિશેષ અભિષેક કરાયો હતો. ઉપરાંત સુંદરકાંડના પાઠ અને રાત્રે રાસ-ગરબાનું આયોજન પણ કરાયું હતું. માતાજીના સાંનિધ્યમાં પવિત્ર હવન યોજાયો હતો, જેમાં અનેક ભાવિકોએ આહુતિ આપી હતી. માતાજીને વિવિધ વાનગીઓનો ‘છપ્પનભોગ’ ધરાવવામાં આવ્યો હતો.અને સાંજના સમયે ભવ્ય મહા આરતીનું આયોજન કરાયું હતું, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અંતમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું.

