વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં નળ દ્વારા મળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિક રહીશો ભારે પરેશાન બન્યા છે. વાડી પાંચ પોળ તેમજ સમગ્ર મોગળવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કાદવયુક્ત અને દુર્ગંધ મારતું પાણી પુરવઠામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
આ પાણી પીવા કે ઘરેલુ ઉપયોગ માટે સંપૂર્ણપણે અયોગ્ય હોવાથી વિસ્તારના નાગરિકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં પેટના રોગો તથા ચામડીના રોગોની શક્યતા વધી હોવાનું રહીશો જણાવી રહ્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ સમસ્યા અંગે અગાઉ મહાનગરપાલિકાને મૌખિક રીતે અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બેદરકારી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ વોર્ડ નંબર 14ની કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકર્તાઓએ તાત્કાલિક પાણીની લાઈનોની તપાસ, સફાઈ અને જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી.
જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા નાગરિકોના આરોગ્ય મુદ્દે કેટલી ગંભીરતા દાખવે છે.

