નર્મદા જિલ્લામાં યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.વી.વાળાએ જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે પોઇચા ધામે બેઠક યોજી
પદયાત્રા કાર્યક્રમના સ્થળોનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી સહિત જિલ્લાના અધિકારીશ્રીઓએ જાત નિરીક્ષણ કર્યું
રાજપીપલા, સોમવાર:- ભારતના લોહપુરુષ તથા એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં “સરદાર@૧૫૦-યુનિટી માર્ચ (પદયાત્રા)” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૬ નવેમ્બરે ગુજરાતના કરમસદથી પ્રારંભ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઇ તા. ૩ ડિસેમ્બરે નર્મદા જિલ્લાના પોઇચા ધામ ખાતે આવી પહોંચશે. આગામી ત્રણ દિવસ સુધી પદયાત્રાના માર્ગમાં આવતા ગામડાંઓમાં પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત તથા આવકાર કાર્યક્રમો યોજાશે. આ રાષ્ટ્રીય ભવ્ય પદયાત્રાનું સમાપન તા. ૬ ડિસેમ્બરએ એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમના આગોતરા સુચારુ આયોજન અને વ્યવસ્થાને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. વી. વાળાએ પોઇચા ધામ ખાતે જિલ્લાના વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન પદયાત્રીઓ અને મહેમાનો માટે પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, જમવાની વ્યવસ્થા, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ જેવી અગત્યની બાબતો અંગે જિલ્લા સ્તરીય અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી, જિલ્લાના અગ્રણી શ્રી નીલ રાવ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. કે ઉંધાડ તેમજ અન્ય જિલ્લા અધિકારીશ્રીઓએ આ રાષ્ટ્રીય પદયાત્રાના નર્મદા જિલ્લામાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલ સમાપન સ્થળ સુધીના માર્ગનું જાત નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન આવકાર-સ્વાગતની તૈયારીઓ, ગ્રામસભાઓ, સરદાર ગાથા, ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનના સ્થળોનું સુવ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયા, જિલ્લા પ્રોટોકોલ કલેકટર શ્રી એન. એફ. વસાવા, પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે, સુશ્રી પરસનજીત કૌર, નાયબ કલેક્ટર સર્વશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

