આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી શહેરને ‘સુવ્યવસ્થિત’ દેખાડવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વખતની જેમ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સામાન્ય દિવસોમાં રોડ-રસ્તાની હાલત ખરાબ હોવા છતાં શહેરીજનોને ભોગવવી પડતી હાલાકીની તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ જ્યારે ‘સાહેબ’ આવવાના હોય ત્યારે રાતોરાત રંગરોગાન અને સફાઈની કામગીરી શરૂ થઈ જાય છે.
વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રોડની વચ્ચોવચ ફૂટપાથ અને રસ્તા પર ફળ વેચતા વેપારીઓના દબાણને કારણે રોજબરોજ ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વ્યસ્ત સમયગાળામાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, છતાં આ સમસ્યા લાંબા સમયથી યથાવત રહી છે અને કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આવતીકાલની મુલાકાતને પગલે દબાણ શાખાની ટીમ દ્વારા માત્ર એક દિવસ માટે કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ એક દિવસની કાર્યવાહીથી તંત્ર પોતાની ફરજ પૂર્ણ થઈ હોવાનો સંતોષ વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે.
શહેરીજનોનું કહેવું છે કે મુખ્યમંત્રીના આગમન વખતે નહીં પરંતુ રોજિંદા સમયમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવે તો જ શહેરની વાસ્તવિક સમસ્યાઓનો નિકાલ શક્ય બનશે.

