વડોદરા મહાનગરપાલિકાના આવાસ યોજનાના ડ્રો બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ આજે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના અધિકારીઓ સાથે આવાસો જ્યાં નિર્માણ પામે છે તે સ્થળોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ લાભાર્થીઓ તથા નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવા ડૉ. શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદને સંબોધી હતી.
ડૉ. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવાસ યોજનામાં ડ્રો માત્ર પ્રાથમિક પ્રક્રિયાનો ભાગ છે. આવાસોનું નિર્માણ પૂર્ણ થયા બાદ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયા અનુસાર લોકાર્પણ તથા ચાવી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. કેટલીક વહીવટી અને કાયદાકીય પ્રક્રિયાઓના કારણે પ્રક્રિયામાં થોડું વિલંબ થયું છે, પરંતુ યોજનામાં કોઈ અનિયમિતતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા નાગરિકોના હિતને ધ્યાને રાખી નિર્ણય લઈ રહી છે, જેથી લાભાર્થીઓના નાણાં સુરક્ષિત રહે અને પારદર્શક રીતે આવાસો ફાળવવામાં આવે. આવાસ યોજનાની સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર ચાલી રહી હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
સ્થાયી સમિતિ અધ્યક્ષે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને મહાનગરપાલિકા પર વિશ્વાસ રાખવાની અપીલ પણ કરી હતી.

