વડોદરામાં હવામાનનો મિજાજ અચાનક બદલાતા કમોસમી વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન – આ ત્રણેય હવામાન સિસ્ટમો એકસાથે સક્રિય થતા શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા છે. આ અચાનક બદલાયેલા હવામાનથી એક તરફ ઠંડકનો અહેસાસ થયો છે, તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેતી માટે તૈયાર ઉભેલા પાક પર ‘માવઠા’ની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રવિ પાકને નુકસાન થવાની શક્યતા વધતા ધરતીપુત્રોના શ્વાસ અધ્ધર થયા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ રહેવાની શક્યતા છે.
શહેરમાં ઠંડક વધતા સામાન્ય જનજીવન પર મોટી અસર તો નથી પડી, પરંતુ ખેડૂતો અને કૃષિ આધારિત વિસ્તારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. જો કમોસમી વરસાદ ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની સંભાવના વધુ ઊભી થઈ શકે છે.

