મ્યુનિ.કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ વિભાગની કામગીરી માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરાવી અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકી જવાના ફિરાકમાં છે. આ અંગેની દરખાસ્ત સ્થાયની સમિતિના સભ્યોના વિરોધના કારણે બે વખત મુલતવી રખાયા બાદ ત્રીજીવાર તેને એજન્ડામાં ચઢાવી સ્થાયીમાં રજૂ કરાઈ છે. જેનો આજે નિર્ણય લેવાશે. ત્યારે રોડ શાખાની આ વિવાદિત દરખાસ્ત રદ્દ કરવા શહેરના જાગૃત નાગરિકએ સૂચન કરતી રજુઆત મ્યુનિસિપલ કમિશનર ને કરી છે. સાથે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે.
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મેયર, મ્યુ.કમિશનર, ડે .મેયર, ચેરમેનને આવેદનપત્ર થકી લેખિત રજૂઆત કરી છે કે, વડોદરા મહાનગર પાલિકાના રોડ પ્રોજેક્ટ શાખામાં ખાનગી કલ્સલ્ટન્ટની નિમણૂક ક૨ાવાથી અધિકા૨ીઓ પોતાની જવાબદા૨ીમાથી છટકી જવાની પેરવી કરી ૨હ્યા છે. તેમજ આ દરખાસ્તનો વિરોધ બે વખત સ્થાઇના સભ્યો દ્વારા ક૨વામાં આવ્યો છે. અને હવે ત્રીજી વખત આ દરખાસ્ત લાવવામાં આવી છે તે દરખાસ્તને મુલતવી ૨ાખવાની માગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે, એક બાજુ આવા અધિકા૨ીઓના કા૨ણે વડોદરા ખડોદરા અને ભુવા નગ૨ી બની ગઇ છે ત્યારે આ દરખાસ્તનો સખ્ત વિરોધ છે. જો અધિકા૨ીઓ અણઆવડત વાળા હોય અને જનતાના વેરાના નાણાંનાં વૅડફાટ કરવાની જીદ પકડતા હોય તેવા સંજોગોમા તાત્કાલીક બદલી થવી જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રોડના કામો માટે કન્સલ્ટન્ટ ને નિમવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઈજારદારને ડિઝાઈન કરવા માટે જે તે પ્રોજેક્ટના કૉસ્ટના ૦.૪૦ ટકા, પી.એમ.સી.ના ૦.૮૫ ટકા અને કુલ પ્રોજેક્ટની રકમના ૧.૨૫ ટકા વધુના ભાવે કામ આપવાની દરખાસ્ત પખવાડિયા પહેલાં સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી. પરંતુ સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને નામંજૂર કરવાને બદલે મુલતવી કરી દીધી હતી. હવે, ત્રીજીવાર દરખાસ્ત એજન્ડામાં ચઢાવી ફરી તેને સ્થાયી રજૂ કરાતા વિવાદ સર્જાયો છે ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પણ નાણાં ના વેડફાટ બાબતે વિરોધ દર્શાવ્યો હતો

