વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કરાયેલા વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની શંકા ઊભી થઈ છે. સામૂહિક કમ્પોસ્ટ પિટ, સામૂહિક શોકપિટ તેમજ વાંકાનેડા ગામના સ્મશાન ગૃહમાં કરાયેલા પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.
RTI હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અને ગ્રામજનો દ્વારા કરાયેલી સ્થળ ચકાસણી દરમિયાન ખુલ્યું છે કે, Completion Certificate દર્શાવાયા હોવા છતાં અનેક સ્થળોએ કમ્પોસ્ટ પિટ અને શોકપિટ અસ્તિત્વમાં જ નથી. એટલું જ નહીં, સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ 69.50 ચોરસ મીટર દર્શાવાયું છે, જ્યારે વાસ્તવિક રીતે ઓછા પ્રમાણમાં પેવર બ્લોક નજરે પડે છે.
આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં Physical Verification, Technical Audit તેમજ Financial Audit હાથ ધરી જવાબદારોની જવાબદારી નક્કી કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જાહેર હિતને સ્પર્શતો આ મુદ્દો હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપો સામે શું પગલાં ભરે છે.

