નસવાડી તાલુકાના અયોધ્યા નગર વિસ્તારમાં ભૂંડ પકડવાના બહાને આવેલી એક પિકઅપ જીપમાંથી તલવાર, દેશી દારૂ, ગાંજો તથા પથ્થરો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે બહારથી આવેલા લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે લૂંટની યોજના સાથે આવ્યા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અયોધ્યા નગર વિસ્તારમાં એક પિકઅપ જીપમાં કેટલાક અજાણ્યા લોકો ભૂંડ પકડવા આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. શંકાસ્પદ હલચલ જોઈ સોસાયટીના જાગૃત લોકોએ ભૂંડ પકડનારાઓને જાણ કરી હતી. બાદમાં સ્થાનિક લોકોએ જીપ પર નજર રાખી તેનો પીછો શરૂ કર્યો હતો.
નસવાડી હરીપુરા–કલેડીયા ચોકડી વચ્ચે સ્થાનિક લોકો અને બહારથી આવેલા ભૂંડ પકડનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ તંગ બનતા બહારથી આવેલા લોકો પોતાની પિકઅપ જીપ સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પિકઅપ જીપ કબજે લઈ નસવાડી પોલીસ મથકે લવાઈ હતી. જીપની તપાસ દરમિયાન તલવાર, નશીલો દારૂ, ગાંજો તેમજ પથ્થરો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને બહારથી આવેલા શંકાસ્પદ તત્વો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે આવ્યા હતા કે કેમ તે દિશામાં નસવાડી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને મામલે વધુ તપાસ ચાલી રહી છે.

