વડોદરા શહેરમાં આવેલ નવલખી મેદાનનું કૃત્રિમ તળાવ ગંદકી અને દુર્ગંધમાં ફેરવાયું, પાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ
વડોદરા: વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં. 13 વિસ્તારમાં આવેલા નવલખી મેદાન ખાતે તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શ્રીજી તથા દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવેલ આ કૃત્રિમ તળાવમાં લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતાં ગંદકી, કચરો અને દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચી રહી છે.
કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન માટે વપરાયેલા લાકડાં, ફૂલો સહિતનો કચરો પાણીમાં તેમજ તળાવની બહાર છૂટો પડેલો જોવા મળે છે. આ કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં આ સ્થિતિને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરના તળાવોના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, જ્યારે બીજી તરફ વિસર્જન બાદ કૃત્રિમ તળાવોની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ક્રિયતા દાખવી રહી છે. ગણેશ ઉત્સવ અને દશામા પર્વ બાદ પ્રતિમાઓનું સીધું તળાવોમાં વિસર્જન બંધ રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવે છે, પરંતુ વિસર્જન પૂર્ણ થયા બાદ તળાવની સફાઈ, સ્વચ્છતા અને દવા છંટકાવ જેવી જરૂરી કામગીરી તરફ ધ્યાન આપાતું નથી.
દર વર્ષે વિસર્જન પૂર્વે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવોમાં પ્લાસ્ટિક પાથરી ચોખ્ખું પાણી ભરવું, તળાવ ફરતે સ્વચ્છતા રાખવી અને દવા છંટકાવ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પરંતુ વિસર્જન બાદ આ વ્યવસ્થાઓ જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જાય છે તેવા દ્રશ્યો હાલમાં નવલખી મેદાન ખાતે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે.
સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકાને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓની લાગણીઓને માન આપીને તાત્કાલિક કૃત્રિમ તળાવની સફાઈ, કચરાની યોગ્ય નિકાલ અને દુર્ગંધ નિવારણ માટે જરૂરી પગલાં લેવામાં આવે, જેથી પર્યાવરણનું રક્ષણ થાય અને ધાર્મિક આસ્થાનું સન્માન જળવાઈ રહે.

