વડોદરા શહેરના વરણામા ગામ નજીક નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ ફેવિકોલ ભરેલી ટ્રક અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ટ્રકના આગળના કેબિનનું કચ્ચરઘાણ થઈ ગયું હતું.
અકસ્માત બાદ ટ્રકના કેબિનમાં ચાલક ફસાઈ જતા તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન કરીને ચાલકને બહાર કાઢ્યો હતો. ટ્રક ચાલક મહંમદ શેખને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના કારણે ટ્રકમાં ભરેલા બેરલોમાંથી ફેવિકોલ રોડ સાઇડ પર આવેલી વરસાદી કાસમાં ઢોળાઈ ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ફેલાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક અને માલ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

