વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા) એ જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અમારા મહોલ્લાના વિક્રમ અને ભયલુ નામના બે છોકરાને વાગ્યું હતું. જેથી લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી. ત્યારબાદ હું મારો દીકરા તેને મળ્યા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે.ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સીસીટીવી મદદથી તપાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે. આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે. તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે

