વડોદરા થી સાવલી સુધી પ્રતિવર્ષે અને સતત છેલ્લા 22 વર્ષથી અવિરત રીતે યોજાતી ધર્મધજાપદયાત્રા આ વર્ષે પણ સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથમહાદેવ મંદિર પરિસરમાં પહોંચી હતી. અહીં ગેબીનાથદાદાની જીવંત સમાધી તેમજ બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધીમંદિરે યાત્રિકોએ પૂજાઅર્ચના કરી ધર્મલાભ લીધો હતો.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ આ પૌરાણિક મહત્વ ધરાવતા ભીમનાથમહાદેવ મંદિરમાં નાથ સંપ્રદાયના ગેબીનાથદાદાની સમાધી સ્થિત છે, જ્યારે સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધીમંદિર પણ અહીં આવેલું છે.
બ્રહ્મલીન સ્વામીજીના લઘુબંધુ અને વિરમગામ પાસે ગૌરયા ના પીઢાધીશ બ્રહ્મલીન જગદીશગીરી મહારાજ દ્વારા 22 વર્ષ પહેલાં વડોદરા થી સાવલી સમાધીમંદિર સુધી આ ધર્મધજાપદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા અવિરત રીતે ચાલી આવી છે.
હાલમાં આ યાત્રા બ્રહ્મલીન જગદીશગીરી મહારાજના શિષ્ય નીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં યોજાઈ હતી. ધર્મધજાપદયાત્રા સંઘ સાવલી ભીમનાથમહાદેવ મંદિરે પહોંચ્યો હતો અને ત્યારબાદ સમાધીમંદિરે વિધિવત પૂજા-અર્ચના કરી ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રિકો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવથી ભરપૂર માહોલ સર્જાયો હતો.

