વડોદરા વકીલ મંડળની કારોબારી બેઠકમાં ઠરાવ : સ્થાનિક બારોમાં ચાલતા ફોન્ટ્સને માન્યતા આપવા હાઈકોર્ટ સર્ક્યુલર બહાર પાડવાની માંગ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર નં. C-2002/2025, તા. 22-12-2025 બાબતે વડોદરા વકીલ મંડળના ચુંટાયેલા કારોબારી સભ્યોની મહત્વપૂર્ણ બેઠક તા. 01-01-2026, ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે નવા એડવોકેટ હાઉસ, ન્યાય મંદિર કોર્ટ સંકુલ, વડોદરા ખાતે યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ કે. ભટ્ટે સંભાળ્યું હતું.
બેઠકમાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન જણાવાયું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોહીત ગુજરાતી, નોટો સેરિફ ગુજરાતી તથા નોટો સન્સ ગુજરાતી (ફોન્ટ સાઈઝ-13)ને માન્યતા આપવામાં આવી છે. જોકે, આ માન્ય ફોન્ટ્સ હાલમાં સ્થાનિક બારોમાં કાર્યરત નથી. સ્થાનિક કોર્ટોમાં હાલ સુલેખ, શ્રુતિ, ગુગલ ઈન્ડિક, ગુગલ ફોનેટિક તથા સરલ જેવા જૂના ફોન્ટ્સથી ગ્રીન (લેઝર) પેપર ઉપર કેસોની ફાઈલિંગ કરવામાં આવે છે.
હાઈકોર્ટના આ પરિપત્રનો અમલ તા. 01-01-2026થી સ્થાનિક કોર્ટોમાં શરૂ કરી દેવામાં આવ્યો હોવાથી હાલ પરિસ્થિતિમાં આ સર્ક્યુલરનો તાત્કાલિક અમલ કરવો મુશ્કેલ બન્યો છે. આ કારણે વડોદરા વકીલ મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, સ્થાનિક બારોમાં હાલમાં ચાલતા ફોન્ટ્સને માન્યતા આપવા હાઈકોર્ટ દ્વારા અલગ સર્ક્યુલર બહાર પાડવામાં આવે. સાથે જ, જૂના ફોન્ટ્સ મુજબ દાખલ કરવામાં આવતા કેસોને હાલ પૂરતા કોર્ટો દ્વારા સ્વીકારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
બેઠકમાં એ પણ જણાવાયું હતું કે હાઈકોર્ટના સર્ક્યુલરનો ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં અમલ થતાં ફાઈલિંગ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે તા. 02-01-2026 થી તા. 03-01-2026 દરમિયાન કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત (બહિષ્કાર) રહેવામાં આવશે.
વકીલ મંડળ દ્વારા વધુમાં માંગ કરવામાં આવી છે કે, જો નવા ફોન્ટ્સ (લિપિ)ને ફરજિયાત લાગુ કરવાના હોય તો તે માટે ઓછામાં ઓછા ત્રણ માસનો સમય આપવામાં આવે અને જરૂરી ટ્રેનિંગ આપવામાં આવે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો સમયગાળો વધુ વધારવાનો નિર્ણય પણ લેવાયો હોવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

