Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC) તથા એનએસએસ યુનિટના સહયોગથી એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટીની સ્થાપનાના ૧૪૦ વર્ષ તથા આચાર્ય પ્રો. સી.સી. મહેતાની ૧૨૫મી જન્મજયંતિના સ્મરણાર્થે તા. ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે “‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય – માસિક ધર્મ અને સેનિટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો’” વિષયક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હેલ્થી નારીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનુજ રાઠોર મુખ્ય રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સ્ટાર્ટઅપની સફળ યાત્રા સાથે સાથે માસિક ધર્મ અને સેનિટરી પેડ્સ અંગે સમાજમાં રહેલી ગેરસમજો, આરોગ્યસંબંધિત પડકારો તથા મહિલાઓ માટે સુરક્ષિત, સ્વસ્થ અને કલંકમુક્ત સંભાળની આવશ્યકતા વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમોરિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુસ્તકોનું વિતરણ અને પ્રદર્શન પણ યોજાયું હતું.

શ્રી અનુજ રાઠોરે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં એક સામાન્ય પરંતુ અસરકારક અનુભૂતિથી હેલ્થી નારી ચળવળનો આરંભ થયો હતો. મહિલાઓ વધુ સુરક્ષિત, સ્વસ્થ અને ગૌરવપૂર્ણ સંભાળની હકદાર છે—આ વિચાર સાથે ૨૦૨૨માં ઉત્પાદન વિકાસ, ૨૦૨૩માં વાસ્તવિક વપરાશકર્તાઓ સાથે પરીક્ષણ, ૨૦૨૪માં ૬૦૦થી વધુ પ્રતિસાદો બાદ અમલ અને ૨૦૨૫માં કંપની તરીકે સત્તાવાર લોન્ચ સાથે હેલ્થી નારી એક બ્રાન્ડમાંથી સામાજિક આંદોલન બની હોવાનું તેમણે જણાવ્યું.

કાર્યક્રમ દરમિયાન હેલ્થી નારીને “મહિલાઓ માટેનું સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ સ્થાન” તરીકે રજૂ કરવામાં આવ્યું, જ્યાં મહિલાઓ ખુલ્લેઆમ પ્રશ્નો પુછી શકે, આત્મવિશ્વાસથી શીખી શકે અને સંકોચ વિના મદદ મેળવી શકે. માસિક આરોગ્ય, પ્રજનન સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને મહિલાના જીવનના દરેક તબક્કાને સંવેદનશીલતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂકાયો હતો.

કાર્યક્રમના સંકલનકાર તરીકે ડૉ. અમી પંડ્યા અને સહ-સંકલનકાર તરીકે ડૉ. નિરઝરી ઠક્કરે કાર્યક્રમને સુચારુ રીતે સંપન્ન કર્યો હતો, જ્યારે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. નિતિન પરમારે વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે,
“આ પ્રકારના કાર્યક્રમો માત્ર જ્ઞાનવર્ધન પૂરતા નથી, પરંતુ સમાજમાં રહેલી માનસિક ગાંઠોને ખોલવાનો પ્રયાસ છે. માસિક ધર્મ અંગે ખુલ્લી ચર્ચા અને વૈજ્ઞાનિક અભિગમ સ્વસ્થ સમાજના નિર્માણ માટે આવશ્યક છે. સ્ટાર્ટઅપ્સ અને સામાજિક જવાબદારી વચ્ચેનો આ સંવાદ વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયક છે.”

કાર્યક્રમમાં ફેકલ્ટીના અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ સ્વયંસેવકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related posts

પૂર્વ ક્રિકેટર સ્વ.અંશુમાન ગાયકવાડ ની પ્રાર્થના સભા યોજાઈ

admin

નવરાત્રિનું કાઉન્ટ ડાઉન શરૂ, બજારોમાં ચણિયાચોળી, ઓક્સોડાઇઝ જ્વેલરી સહિતની ખરીદી નિકળતાં વેપારીઓ આનંદિત

admin

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.૯ના બે માર્ગોના નામકરણને સામાન્ય સભામાં મંજુરી

admin

Leave a Comment