નવા વર્ષની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. 31 ડિસેમ્બરના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અલવાના કા ખાતે ઝોન-2 પોલીસ દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઝોન-2ના અધિકારી અભિષેક ગુપ્તા અને સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં આ ચેકિંગ હાથ ધરાયું હતું.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ના બનાવોમાં વધારો થતો જોવા મળતાં પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકોને ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ટ્રાફિક નિયમ ભંગ અને જાહેર શાંતિ ભંગ કરતી કોઈ પણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરે અને પોલીસને સહકાર આપે.

