વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા પાલિકામાં વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. બોર્ડની મુદત પૂર્ણ થતા મેયર, ડેપ્યુટી મેયર તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન સહિતના હોદ્દેદારોની ઓફિસ બહાર લગાવવામાં આવેલી નેમપ્લેટો ઉતારી લેવામાં આવી હતી.
મહાનગરપાલિકાની કચેરીઓમાં આવેલા હોદ્દેદારોના રૂમ બહારના નામફલક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે પાલિકાના હોદ્દેદારોને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પરથી પણ તેમની નામવાળી નેમપ્લેટો ઉતારી લેવામાં આવી હતી. આ નેમપ્લેટોને પાલિકાના વાહન વિભાગમાં જમા કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા આ સમયગાળા માટે એડમિનિસ્ટ્રેટર તરીકે શાલિની અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આજથી મહાનગરપાલિકાનો વહીવટી કારભાર સંભાળશે. નવી મહાનગરપાલિકા ચૂંટણી યોજાઈ અને ત્યારબાદ નવું બોર્ડ રચાય ત્યાં સુધી શહેરનો સમગ્ર વહીવટ એડમિનિસ્ટ્રેટર દ્વારા સંચાલિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બોર્ડની મુદત પૂર્ણ થતાં પાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોની સત્તા આપમેળે સમાપ્ત થાય છે અને ત્યારબાદ વહીવટી સત્તા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા એડમિનિસ્ટ્રેટરને સોંપવામાં આવે છે. હવે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે, જેના પગલે શહેરના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ બની છે.

