છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારના આંબા ડુંગર,કરવી અને ખડલાના ગ્રામજનો દ્વારા GMDC દ્વારા ડ્રોન મારફતે કરાતાં સર્વેનો વિરોધ નોંધાવતા આવેદનપત્ર છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટરને આપ્યું છે.છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના રમણીય અને ડુંગરાળ વિસ્તારમાં રી અર્થ ખનિજ મળી આવ્યું હતું. જેને લઇને GMDC દ્વારા અહીંયા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સર્વે કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. અને હાલ વિસ્તારના આંબાડુંગર, કરવી અને ખડલા ગામમાં ડ્રોન મારફતે સર્વે કરાયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય તો આ ગામના લોકોને વિસ્થાપિત થવું પડશે અને પોતાની બાપા દાદાની જમીનો ગુમાવવાનો વારો આવશે તેવી આશંકાને લઇને GMDC દ્વારા કરવામાં આવતી કામની આ ગામોના લોકોને વિગતવાર માહિતી આપવામાં આવે અને ત્યાર બાદ જ આગળની કામગીરી કરાય તેવી માગ સાથે આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

