વિશ્વામિત્રીને નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ 5 માર્ચથી શરૂ થશે. તે પૂર્વે મગર અને કાચબાને રેસ્ક્યૂ કરી તેમને રાખવાની વ્યવસ્થા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાઈ છે. શરૂઆતમાં 20 મગર અને 20 કાચબા માટે ઝૂમાં ઘડિયાલ મગરના તળાવમાં વ્યવસ્થા કરાઈ છે. જ્યારે બીજા મગર અને કાચબા માટે આજવા ઝૂ તૈયાર કરાયું છે.
વિશ્વામિત્રીને ઊંડી કરવાની કામગીરી પૂર્વે મગર અને અન્ય જળચરના સ્થળાંતર કરવા માટે પાલિકાના ઝૂ વિભાગે પૂર્વ તૈયારી કરી છે. ઇન્ચાર્જ ઝૂ ક્યુરેટર માનવ મહેતાએ જણાવ્યું કે, હાલ ઝૂના તળાવમાં 4 ઘડિયાલ મગર છે. જે તળાવમાં પાર્ટિશન પાડી ત્યાં 20 મગર રાખવા વ્યવસ્થા કરી છે. જે માટે 20 પાંજરાં પૈકી 10 પાંજરાં તૈયાર કરાયાં છે, બાકીનાં 10 પાંજરાં સપ્તાહમાં આવી જશે. મગરને ખોરાક આપવા માછલીની વ્યવસ્થા કરાશે. નદીમાં કામગીરી શરૂ થશે ત્યારે જે પ્રમાણે માહિતી મળશે તેવી રીતે વનવિભાગ સાથે 20 સભ્યોની ટીમ સપોર્ટમાં રહેશે.
મગરના વર્તનને ધ્યાનમાં રાખી તેમને સહેલાણીઓ માટે ખુલ્લા મુકાશે ઝૂના 4 ઘડિયાલ મગરને તળાવમાં પાર્ટિશન પાડી શિફ્ટ કરાયા છે. હાલમાં ઘડિયાલ મગર સહેલાણીઓ માટે ખુલ્લા મૂકાયા છે. નદીમાંથી આવનાર મગરના વર્ણન આધારે તેમને ડિસ્પ્લેમાં મૂકવા કે કેમ તેનો નિર્ણય લેવાશે. જેવી કામગીરી શરૂ થશે ત્યારે તળાવમાં ચોખ્ખું પાણી ભરવામાં આવશે.
મગરની દેખરેખ માટે 2 તબીબની ટીમ 24 કલાક ખડે પગે રહેશે માનવ મહેતાએ કહ્યું કે, રેસ્ક્યૂ દરમિયાન મગર કે અન્ય જળચર પ્રાણીનું ધ્યાન રાખવા 2 ડોક્ટરની ટીમ 24 કલાક ખડે પગે રહેશે. 4 સેક્શનમાં કામગીરી કરાશે, જેમાં 2 સેક્શનમાં ડોક્ટર રહેશે. નાની કે મોટી ઈમર્જન્સી આવે તો આ ટીમ તાત્કાલિક એક્શન લેશે.
આજવા ઝૂનું તળાવ પણ મગર રાખવા તૈયાર રખાયું વિશ્વામિત્રી નદીમાંથી 20 મગર અને 20 કાચબાને કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય રખાયા બાદ વધારાના મગર અને કાચબાને રાખવા માટે આજવા ઝૂ ખાતે પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

