વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ નવા એડવોકેટ હાઉસ ખાતે ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા.ગુજરાત બાર કાઉન્સિલની આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને વકીલ વર્ગમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયા માટે દિવાળીપુરા નવા એડવોકેટ હાઉસ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તમામ વકીલો સરળતાથી પોતાનો મત આપી શકે.આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોતાના સમર્થકો સાથે ચૂંટણીમાં સક્રિય પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે માટે ચૂંટણી કમિશનર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. મતદાન કેન્દ્ર પર સુરક્ષા તથા વ્યવસ્થાના પૂરતા બંધોબસ્ત સાથે વકીલોને મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.મતદાન દરમિયાન વકીલો શાંતિપૂર્ણ રીતે લાઈનમાં ઉભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર પારદર્શક રીતે યોજાઈ રહી હોવાનું ચૂંટણી અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.આ રીતે વડોદરા ખાતે યોજાયેલી ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણીમાં વકીલ વર્ગનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વકીલો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા.

