કમાટીબાગ ઝૂમાં ચાર દાયકા બાદ સફેદ વાઘનું પુનરાગમન
પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, 15 દિવસ બાદ જાહેર દર્શન માટે ખુલ્લા મુકાશે
વડોદરા શહેરનો કમાટીબાગ હંમેશા નવા નજરાણાં માટે ઓળખાય છે. હવે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ અને વાઘણની જોડી આવવાથી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉમેરાયું છે. અંદાજે ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ વડોદરા ઝૂમાં સફેદ વાઘનું પુનરાગમન થયું છે, જે ઝૂ માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે. આગામી 15 દિવસ બાદ નાગરિકો આ દુર્લભ પ્રજાતિને નિહાળી શકશે.
આ અંગે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટનકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા ઝૂમાં સફેદ વાઘ લાવવા માટે લાંબા સમયથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રયાસો ચાલી રહ્યા હતા. સફેદ વાઘ દુર્લભ પ્રજાતિ હોવાથી તેને સરળતાથી મેળવવું શક્ય ન હતું. રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘની સફળ બ્રીડિંગ થયા બાદ અને ત્યાં સ્પેર પ્રાણીઓ ઉપલબ્ધ થતા, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ જોડી વડોદરા ઝૂને મળી શકી છે.
ડૉ. પાટનકરે વધુમાં જણાવ્યું હતું કે, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા ઝૂ દ્વારા રાજકોટ ઝૂને મકાઉ, રીંગ-નેક ફેઝન્ટ, એમેઝોન પેરોટ, ઇલેક્ટસ પેરોટ, બ્લેક સ્વાન અને કોકાટુ જેવી વિદેશી પક્ષીઓની જોડીઓ આપવામાં આવી હતી, જેના બદલામાં સફેદ વાઘ અને વાઘણની જોડી પ્રાપ્ત થઈ છે.
આ સમગ્ર પ્રક્રિયામાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર વહીવટી તંત્રનો સકારાત્મક સહકાર મળ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી સમયસર મંજૂરી મળતા આ પ્રોજેક્ટ સફળ બની શક્યો છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમો મુજબ હાલ સફેદ વાઘની આ જોડી ક્વોરન્ટીન પીરિયડમાં રાખવામાં આવી છે. ક્વોરન્ટીન સમયગાળો સામાન્ય રીતે 15થી 45 દિવસનો હોય છે. પ્રાણીઓ નવા વાતાવરણમાં સ્વસ્થ રીતે ઢળી જશે ત્યારબાદ, અંદાજે 15 દિવસમાં, તેમને જાહેર જનતા માટે દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.

