રાજ્યના ૮૭ રેલવે સ્ટેશનો ૬૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવી
રાજ્યમાં ૯૭ ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયાં છે
આ તકે ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા અને સજ્જતા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.૧૬૪ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા ૧૮ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા.
ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યા છે.તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત ૧૦૩ રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી.
આ અવસરે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા,પી. કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા,હિતેન્દ્રસિંહ ચૌહાણ, જશુભા સોલંકી, સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ,જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા, ડિવિઝનલ રેલવે મેનેજર રવિશકુમાર, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

