વડોદરા શહેરને દારૂ મુક્ત ગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ખુલ્લેઆમ વાહનો પાર્ક કરી દારૂ પીતા કેટલાક ઇસમો નજરે પડતા ચર્ચાનો વિષય બન્યો છે.
જાહેર માર્ગ પર આ રીતે ખુલ્લેઆમ દારૂપાન થતું હોવા છતાં પોલીસની હાજરી કે કાર્યવાહી ન દેખાતા સ્થાનિક લોકોમાં રોષ અને આશ્ચર્ય બંને જોવા મળી રહ્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવા દ્રશ્યો સામે આવતા દારૂ પ્રતિબંધના અમલ પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ રીતે જાહેર સ્થળે દારૂ પીવાનું ચાલુ રહેશે તો કાયદા અને વ્યવસ્થાને ગંભીર અસર થઈ શકે છે. લોકો દ્વારા સયાજીગંજ પોલીસને કડક કાર્યવાહી કરવા તેમજ દારૂ મુક્ત ગુજરાતના દાવાને સાચું સાબિત કરવા માંગ ઉઠી છે.
હવે જોવાનું રહેશે કે આ ઘટનાને લઈને પોલીસ તંત્ર શું પગલાં લે છે અને દારૂ પ્રતિબંધના અમલમાં કેટલો કડક વલણ અપનાવવામાં આવે છે.

