વડોદરા શહેરના ઇલેકશન વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આ કાર્યવાહી માત્ર નામ પૂરતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અવારનવાર અહીંથી દબાણો હટાવવામાં આવે છે, પરંતુ માત્ર એક-બે દિવસમાં ફરીથી તે જ સ્થળે દબાણો યથાવત જોવા મળે છે. જાણે ‘શોભાના ગાંઠીયા’ સમાન માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું છે.
આ વિસ્તારમાં સતત ટ્રાફિક અવરોધ અને રાહદારીઓને પડતી મુશ્કેલી છતાં દબાણો ફરી ઉભા થવાનું કારણ શું છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક કાઉન્સિલરો અને જવાબદાર અધિકારીઓની મિલીભગતના કારણે દબાણો પર કાયમી કાર્યવાહી થતી નથી.
નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી કડક રીતે અને કાયમી ઉકેલ સાથે કરે, જેથી મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર સરળ બની શકે અને ફરીથી દબાણો ઉભા ન થાય.

