વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે આવેલી કુરિયરની ઓફિસમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો. જેમાં કુરિયર ઓફિસના સંચાલક સહિત 8 ખાનદાની નબીરા ઝડપાઈ ગયા હતા. પોલીસે થાર કાર સહિત ત્રણ વાહનો અને રોકડ રકમ સહિત રૂ.14.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હાલમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ચાલતી હોય રોજ મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઈ રહ્યો છે. જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા સટોડીયાઓને તથા બુકીઓને પકડવા માટે સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવામાં આવી રહી છે. દરમિયાન કારેલીબાગ પોલીસ 1 એપ્રિલના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે પ્રમોદ ઉર્ફે પીન્ટુ મુક્તાનંદ પાસે ઉત્કર્ષ પેટ્રોલપંપની બાજુમાં બીએચ કોમ્પલેક્ષમાં આવેલા દેશ-વિદેશ કુરીયર સર્વિસ નામની દુકાન નંબર-8 માં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેના આધારે કારેલીબાગ પોલીસની ટીમે મુક્તાનંદ પાસેની ઓફિસમાં રેડ કરી હતી. ત્યારે ઓફિસમાંથી 8 જુગારી ઝડપાઈ ગયા હતા.

