વડોદરામાં માનવતાનો અનોખો દાખલો સામે આવ્યો છે, જ્યાં ધોરણ 10ની પરીક્ષા આપવા જતા કેટલાક વિદ્યાર્થીઓ ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. પરીક્ષાનો સમય નજીક આવતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો અને વર્ષ બગડી જવાની ભીતિ ઊભી થઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી સ્થળ પર હાજર પોલીસે તરત જ માનવતાભર્યું પગલું ભર્યું હતું. વિદ્યાર્થીઓને તાત્કાલિક PCR વાનમાં બેસાડી ગણતરીની મિનિટોમાં તેમના સાચા પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા.
પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપી શક્યા અને તેમનું એક વર્ષ બગડતા બચી ગયું.
આ માનવતાભર્યા કાર્ય બદલ વડોદરા શહેર પોલીસની પ્રશંસા થઈ રહી છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજમાં પોલીસની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રૂપે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

