સંસ્કારી નગરી વડોદરામાં આજે માઘી ગણેશ ઉત્સવ (ગણેશ જયંતી) નિમિત્તે સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ખાસ કરીને માંજલપુર વિસ્તારમાં આવેલા બિલેશ્વર યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીના જન્મોત્સવ પ્રસંગે ભવ્ય અને શાનદાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન ગણેશજીની આકર્ષક પ્રતિમાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ડીજેના ગર્જતા તાલ સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તિથી ભરપૂર આ યાત્રાએ સમગ્ર માંજલપુર વિસ્તારને ગણેશમય બનાવી દીધો હતો.
શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર ફૂલહાર, પુષ્પવર્ષા અને ભક્તિમય ગીતોની રમઝટ જોવા મળી હતી. અબીલ-ગુલાલની છોળે સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો.
બિલેશ્વર યુવક મંડળના તમામ આયોજકો અને સેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો — સૌના ઉમંગભેર જોડાણથી શોભાયાત્રા એક યાદગાર આસ્થા-મહોત્સવ બની રહી.

