વડોદરા: સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા નવા વર્ષના ગુરુવારથી વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ SSG ખાતે ‘સાઈ પ્રશાદી (અન્નક્ષેત્ર)’ સેવાનો શુભ આરંભ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દૂર-દૂરથી આવતા દર્દીઓના સગા-સંબંધીઓને મફત ભોજન મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે.
સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી માંજલપુર સ્થિત શ્રી બળિયાનદેવ મહારાજ મંદિરે નિયમિત ભોજન સેવા આપી રહ્યું છે. હવે SSG હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલી આ નવી સેવા દ્વારા વધુ જરૂરિયાતમંદોને સહાય કરી શકાય તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સેવા યજ્ઞના આરંભ પ્રસંગે વોર્ડ નંબર 7ના સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોટ સહિત ગ્રુપના સભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ તમામ આગેવાનો, સેવકો અને મહેમાનોનો આભાર માન્યો હતો.
ગ્રુપનું માનવું છે કે મોટા શહેરી હોસ્પિટલોમાં દર્દીઓ સાથે રહેનાર પરિજનો માટે ભોજનની પરેશાની સામાન્ય બાબત છે, અને આવી સ્થિતિમાં ‘અન્નક્ષેત્ર’ જેવી સેવા મોટો આધાર પુરો પાડશે.

