નસવાડી તાલુકામાં પશુપ્રેમ અને માનવતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે. નસવાડી ગામના સ્ટેશન વિસ્તારમાં રહેતા પશુપ્રેમી ચિરાગભાઈ ગુપ્તાની પાલિત નાની કુતરી અચાનક ગંભીર રીતે બીમાર પડી જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
કુતરીની તબિયત ઝડપથી બગડતી જણાતા ચિરાગભાઈએ વિલંબ કર્યા વગર તાત્કાલિક તેને નસવાડી પશુ દવાખાનામાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા સમજતાં તરત જ સારવાર શરૂ કરી હતી. જરૂરી દવાઓ સાથે બોટલ ચડાવી સંપૂર્ણ કાળજીપૂર્વક સારવાર આપવામાં આવી હતી.
તબીબોની સમયસર કાર્યવાહી અને નિષ્ઠાપૂર્ણ મહેનતના કારણે કુતરીની હાલતમાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો અને અંતે તેનો જીવ બચી ગયો હતો.
આ ઘટનાને પગલે ચિરાગભાઈ ગુપ્તાની પશુપ્રેમી ભાવનાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. જ્યારે નસવાડી પશુ દવાખાનાના તબીબોની ઝડપી કામગીરી બદલ સ્થાનિક નાગરિકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ જણાવ્યું કે પશુઓના જીવનની રક્ષા માટે આપવામાં આવતી સેવાઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે.
આવી ઘટનાઓ સમાજમાં સંવેદનશીલતા, પશુપ્રેમ અને જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

