વડોદરા રેલવે સ્ટેશન પર મોટી ડ્રગ્સ કબ્જે કરવાની કાર્યવાહી સામે આવી છે. પશ્ચિમ રેલવે આરપીએફ અને વડોદરા રેલવે પોલીસની સંયુક્ત કામગીરીમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જયપુર–કોમ્બતુર સ્પેશ્યલ ટ્રેનના એસી કોચમાં બિનવારસી હાલતમાં શંકાસ્પદ સામાન જોવા મળતા ટ્રેનના ટીસીએ તાત્કાલિક રીતે Railway Protection Force તથા વડોદરા રેલવે પોલીસને જાણ કરી હતી.
ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પહોંચ્યા બાદ સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસી કોચમાંથી કુલ 22 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 11 લાખ ગણવામાં આવી રહી છે.
પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. હાલ વડોદરા રેલવે પોલીસ દ્વારા ગાંજો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેનો હેતુ શું હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

