વડોદરા શહેરમાં ઉનાળાની સિઝન નજીક આવતા આગ લાગવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ઓલપાદરા રોડ પર આવેલા એબીએસ ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા વળીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સાથે જ 112 પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે MGVCLના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી તાત્કાલિક પાવર સપ્લાય બંધ કર્યો હતો, જેથી વધુ નુકસાન અને મોટી દુર્ઘટના ટળી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે વળીવાડી ફાયર બ્રિગેડના ઓફિસર ગણપતસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી અને સમયસરની કાર્યવાહીથી આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.

