વડોદરા શહેરના National Highway 48 પર ધન્યાવી ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલો ટ્રક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગયો હતો.
માહિતી મુજબ, અચાનક આવેલા વાવાઝોડાના કારણે રસ્તા પર વીજ થાંભલો પડી ગયો હતો. આ થાંભલાથી બચવા માટે ટ્રક ચાલકે સ્ટીયરિંગ ફેરવતા વાહન ઉપરનો કાબૂ ગુમાવ્યો અને ટ્રક પલટી ખાઈ ગયો. પલટી મારેલો ટ્રક પાછળથી આવી રહેલી ઈકો કાર પર જઈ પડતા અકસ્માત વધુ ગંભીર બન્યો.
આ ઘટનામાં ટ્રક ચાલક અને ઈકો કાર ચાલક બંનેને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇમર્જન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી.
જાણ થતા એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઘાયલોને સારવાર માટે Sir Sayajirao General Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

