વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લા કાસ (ગટર)ની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દંતેશ્વરના દર્શનમ એન્ટીકા સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લો કાસ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દર્શનમ એન્ટીકા સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક કોર્પોરેટરને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી ખુલ્લો પડેલો આ કાસ વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ, દુર્ગંધ તેમજ ચામડીના રોગો સહિત અનેક બીમારીઓનું કારણ બની રહ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે કાસની આજુબાજુ અનેક બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં તેની કોઈ નોંધ કે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી નથી, જે તંત્રની ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે.
આજરોજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચીને ખુલ્લા કાસ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો શહેરની તમામ ખુલ્લી ગટરોને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે, ગટરમાં માત્ર ટ્રીટમેન્ટ કરેલું પાણી જ છોડવામાં આવશે અને ગટર કામગીરીના નામે ભ્રષ્ટાચાર કરનાર તત્વોને જેલ ભેગા કરવામાં આવશે.
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરવાની માગ ઉઠાવી હતી.

