વડોદરા ખાતે કાર્યરત Banyan Bonsai Club Vadodara છેલ્લા 19 વર્ષથી બોન્સાઈ કળાને પ્રોત્સાહન આપતું આવ્યું છે. ક્લબમાં હાલ 200થી વધુ સક્રિય બોન્સાઈ આર્ટીસ્ટો જોડાયેલા છે. દર મહિને યોજાતા નિયમિત વર્કશોપના કારણે નવા બોન્સાઈ આર્ટીસ્ટોને તાલીમ અને માર્ગદર્શન મળતું હોવાથી વડોદરાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
ક્લબ દ્વારા વર્ષ 2012 અને 2015 દરમિયાન રાષ્ટ્રીય કન્વેન્શનનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા દેશોના બોન્સાઈ માસ્ટર્સે પોતાની આગવી ટેકનીક્સ રજૂ કરી હતી. આ કાર્યક્રમોમાં દેશભરના 500થી વધુ બોન્સાઈ આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો અને બોન્સાઈ કળાના નવા અનુભવ મેળવી શક્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પારસી અગિયારી મેદાન (Surya Palace Hotel સામે) ખાતે 19મું બોન્સાઈ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શન સ્વાતિ એસ. બેડેકર, ટ્રસ્ટી – Vatsalya Foundation, વડોદરા દ્વારા જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ પ્રદર્શન તા. 14 માર્ચ 2026 થી 16 માર્ચ 2026 સુધી, શનિવારથી સોમવાર સુધી દરરોજ સવારે 10:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શનનો લાભ નાગરિકો વિનામૂલ્યે લઈ શકશે.
પ્રદર્શનમાં દેશ-વિદેશના ફળ, ફૂલ અને પાનવાળા વિવિધ પ્રકારના આકર્ષક બોન્સાઈ પ્લાન્ટસ રજૂ કરવામાં આવ્યા છે, જે કુદરતી પરિસ્થિતિઓ જેમ કે મેદાનો, પર્વતો અને નદી-દરિયાના કિનારા જેવી રચનાઓનું લઘુ સ્વરૂપ રજૂ કરે છે.
વડોદરાની કલાપ્રેમી જનતાએ છેલ્લા 18 પ્રદર્શનોમાં વિશાળ સંખ્યામાં હાજરી આપી આનંદ માણ્યો હતો. આ વર્ષે પણ દેશના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવેલા અવનવા બોન્સાઈ વૃક્ષો આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા છે.

