દારૂના નશામાં ચૂર એક નબીરાએ શ્રમિક પરિવાર પર કાર ચડાવી દીધી હોવાની ઘટનામાં 4 વર્ષીય બાળકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની ગર્ભવતી માતા સહિત અન્ય લોકોને ઇજા પહોંચી હતી. 6 મહિનાના ગર્ભ સાથે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.જ્યાં તાત્કાલિક પ્રસૂતિ કરવી પડી હતી. અધૂરા માસે જન્મેલા આ નવજાતનું ગઇકાલે મોડી રાત્રે મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
દિવાળી પર્વ દરમિયાન નીતિન ઝા નામનો કાર ચાલક આરોપી દારૂના નશામાં ચૂર થઇ કાર લઇને જમવા માટે એકોટાની એક હોટલમાં જઇ રહ્યો હતો.જે સમયે તેણે કાર પરથી સંતુલન ગુમાવ્યું હતું અને શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો. આ બનાવમાં મારવાડી પરિવારના ચાર વર્ષીય બાળકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં તેની ગર્ભવતી માતાને પણ પગ અને હાથના ભાગે ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મૃતક બાળકની માતા સોનિયાબેન કે જેને આ અકસ્માતમાં ઇજા પહોંચી હતી તેને 6 મહિનાનો ગર્ભ હતો. પરંતુ તેની સ્થિતિ જોઇને તબીબો દ્વારા તાત્કાલિક પ્રસૂતિ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત સોનિયાબેને બાળકને જન્મ આપ્યો હતો.સયાજી હોસ્પિટલના તબીબોના સતત પ્રયાસો છતાં નવજાતોની સ્થિતિ નાજુક રહી અને બાળકે 6 નવેમ્બરના મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકને ખોરામાં લઇને પરિવાર રિક્ષામાં બેસી સ્મશાન પહોંચ્યો હતો. જ્યાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. બે બાળકોના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતક બાળકના નાનાએ જણાવ્યું હતું કે અમે ગુજરાત સરકાર અને પોલીસ પર ભરોસો રાખીએ છીએ, આરોપીને કડક થી કડક સજા મળી જોઈએ.

