છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના શુભ હસ્તે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર 9426656222 છે. આ નંબર ઉપર છોટાઉદેપુર નગર ના કોઈપણ નાગરિક ફોન કરીને પોતાના ઘરની આસપાસ કે પોતાના વિસ્તારમાં કોઈ પણ મુશ્કેલી હોય તો ફરિયાદ નોંધાવી શકશે. આ નંબર ઉપર સફાઈ, પાણી લાઈટ કે અન્ય કોઈ પણ નગરપાલિકાને લગતી બાબતની ફરિયાદ નોંધાવી શકાશે. છોટાઉદેપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહના હેલ્પલાઇન નંબર શરૂ કરવાના સૂચનને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી તથા ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી સહિત તમામ ચેરમેનો અને નગરપાલિકાના સભ્યો એ સંમતિ આપીને આજરોજ સાંસદ તથા ધારાસભ્યના હસ્તે છોટાઉદેપુર નગરજનોની સુખાકારી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર છોટાઉદેપુર નગરના નાગરિકો પોતાના વિસ્તારની તકલીફ ના ફોટા પાડીને whatsapp પણ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે પણ નગરજનોની સુખાકારી માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં હેલ્પલાઇન નંબર અંગે નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આ હેલ્પલાઇન નંબરથી છોટાઉદેપુર નગરમાં વસતા તમામ નગરજનો એ નગરપાલિકાના ધક્કા ખાવા પડે નહીં અને નગરપાલિકા જે નાગરિક આ હેલ્પલાઇન નંબર ઉપર કમ્પ્લેન કરશે એને એનું કામ પત્યા પછી નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા અંગે પણ જણાવવામાં આવશે જેથી નાગરિકોને સુવિધા મળવાની સાથે સાથે નગરપાલિકાના વેરા ની વસૂલાત પણ થઈ શકશે.

