વડોદરા શહેરના વેરાઈ માટે ચોક ખાતે આવેલ બી.સી. મિસ્ત્રી એન્ડ સન્સ ખાતે આજે ચેતન બાલવાડી લેબોટરી નર્સરી સ્કૂલના 35થી વધુ બાળકો માટે શૈક્ષણિક અને રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને વીણા, ઢોલ, વાંસળી, હાર્મોનિયમ સહિતના વિવિધ વાજિંત્રોની ઓળખ અને ઉપયોગ અંગે સરળ રીતે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ખાસ કરીને વીણા, વાંસળી અને મૃદંગ જેવા પરંપરાગત અને જૂના વાજિંત્રો કેવી રીતે બનાવવામાં આવે છે તથા તે કેવી રીતે વગાડવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેટલાક બાળકોને વાજિંત્રોના નામ પહેલેથી જ જાણીતા હતા અને તેમણે ઉત્સાહપૂર્વક તેના નામો બોલી બતાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીવી સીરિયલોમાં જોયેલા વાજિંત્રોને સામે જોઈને બાળકો ખૂબ જ ખુશ અને આનંદિત થયા હતા. શૈક્ષણિક સાથે સંસ્કૃતિની ઓળખ કરાવતો આ કાર્યક્રમ બાળકો માટે યાદગાર બની રહ્યો હતો.

