ડભોઇ નગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓ માટે લોન ડીસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમ ડભોઇ નગરપાલિકાના જ સભાખંડમાં યોજાયો હતો. ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને સ્વરોજગારી માટે જરૂરી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવા માટે પી.એમ. સ્વનિધિ યોજના અમલામા મૂકવામાં આવેલ છે. જે પી.એમ. સ્વનિધિ યોજના માર્ચ-૨૦૩૦ સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓને સરળ શરતો પર ઓછા વ્યાજે લોન, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન તથા નાણાકીય સમાવેશ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છેપી. એમ. સ્વનિધિ યોજનાના અમલીકરણ અને પ્રગતિ માટે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને દેશના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આજે આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વડાપ્રધાનશ્રી કેરળ થી લાઈવ જોડાઈ દેશભરના શેરી ફેરીઓને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
ગુજરાત શહેરી આજીવિક મિશન, ગાંધીનગરના મિશન ડાયરેક્ટર સાહેબશ્રી તથા ડેપ્યુટી મિશન ડાયરેકટર સાહેબશ્રી દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ લોન તથા તાલીમ કાર્યક્રમ યોજવા માટે સૂચના આપવામાં આવેલ હોઈ, જેના અનુસંધાને ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી શેરી ફેરિયાઓને લોનની રકમનું યોગ્ય રીતે ઉપયોગ કરવા, ડિજિટલ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, નાણાકીય શિસ્ત તથા આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન યોજનાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા એસ. બી.આઇ. ના બેંક મેનેજરશ્રી નીલકુમાર સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું.
આજરોજ પી.એમ. સ્વનિધિ લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રમુખશ્રી બિરેનભાઈ શાહ, મનોજભાઈ પટેલ તથા નગરપાલિકા એકાઉન્ટટ શ્રી રાજેન્દ્દસિંહ વાઘેલા તેમજ મેનેજર અર્ચનાબેન પરમાર તથા પ્રવીણભાઈ બારીયા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા મોટી સંંખ્યામા શેરી ફેરીયાઓ હાજર રહ્યા હતા. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત આજના કાર્યક્રમમાં ૫૦ થી વધુ શેરી ફેરીયાઓને લોનનો લાભ મહનુભાવોના હસ્તે આપવામાં આવેલ છે તેમજ બેન્કિંગ પ્રક્રિયા, ક્રેડિટ કાર્ડનો સુરક્ષિત ઉપયોગ, ડીઝીટલ વ્યવહારો અંગે વિસ્તૃત તાલીમ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. તેમજ તમામ શહેરી શેરી ફેરીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે..

