વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા નજીક રોડની સાઇડમાં આવેલી ગટર ચેમ્બર છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લી હાલતમાં હોવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આ કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને પદયાત્રીઓ માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને રાત્રિના સમયે ખુલ્લી ચેમ્બર વધુ જોખમી બની રહી છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ છે.
સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યાપી રહ્યો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કોઈ ગંભીર ઘટના બાદ જ કાર્યવાહી થશે?
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ગટર ચેમ્બર પર કવર મૂકી સુરક્ષિત વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ટાળી શકાય.

