વડોદરા શહેરના મકરપુરા મેઈન રોડ પર છેલ્લા છ દિવસથી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી રસ્તા પર વહી જતાં તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
હાલ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, ત્યારે એક તરફ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની બેદરકારીને કારણે અમૂલ્ય પાણીનો વ્યય થઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણીની લાઇન તૂટવાની માહિતી વારંવાર આપવામાં આવી હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે છેલ્લા છ દિવસથી સતત પાણી વહેતું રહ્યું છે.
શહેરના અનેક વિસ્તારોમાં રોજિંદી પાણીની સમસ્યા વચ્ચે આ ઘટનાએ તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત અંગે પણ તંત્ર કેમ નિષ્ક્રિય છે.
સ્થાનિકોએ તાત્કાલિક પાણીની લાઇનની મરામત કરી પાણીનો બગાડ અટકાવવા અને યોગ્ય પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે પગલાં ભરે છે.

